અમદાવાદઃ ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવ રીતે ઊજવાયું હતુ. શીતળા માતાજીના મંદિરોમાં અને બળિયા દેવના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટાભાગના પરિવારોએ આજે ઠંડુ ભોજન આરોગીને પર્વની ઉજવણી કરી હતી. શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં શિતળા સાતમના પર્વનો અનેરો માહોલ જોલા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ લોકમેળા યોજાયા છે.
શ્રાવણ માસની શીતળા સાતમના પવિત્ર દિવસે મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતુ. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલા ભક્તો શીતળા માતાજી અને બળિયાદેવની પૂજા માટે મંદિરોમાં ઉમટી પડી હતી. સાબરકાંઠા જિલ્લાના પણ શીતળા સાતમના પર્વની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. જ્યારે મોરબીમાં મચ્છુ નદીના કિનારે સ્થિત શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમ નિમિતે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. મંદિરમાં મોરબી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકો સાથે દર્શન માટે આવી રહી છે.
શ્રાવણ માસમાં પાંચમથી આઠમ સુધી વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ સામૂહિક રીતે વિવિધ વ્યંજનો તૈયાર કરે છે. આ વર્ષે શીતળા સાતમના દિવસે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી. હિંમતનગરના મહાવીરનગરનું પંચદેવ મંદિર, કાકરોલ રોડ સ્થિત મહાકાળી માતાજીનું મંદિર, પોલોગ્રાઉન્ડમાં આવેલું પંચદેવ મંદિર અને હરસિદ્ધ માતાજીના મંદિર સહિતના સ્થળોએ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મહિલા ભક્તોએ શીતળા માતાજી અને બળિયાદેવને ઠંડી વાનગીઓનો પ્રસાદ ધરાવ્યો હતો.