વઢવાણઃ શહેરમાં વર્ષો પહેલા એટલે કે રાજાશાહીના જમાનામાં શિયાણીના દરવાજા પાસે શાક માર્કેટ બનાવવામાં આવી છે. વર્ષો જુનું શાક માર્કેટનું બિલ્ડિંગ જજર્રિત અવસ્થામાં છે. તેમજ શાક માર્કેટ નાની હોવાથી ભારે ભીડ રહે છે. ઘણા શાકભાજીના વેપારીઓએ શાકભાજી માર્કેટના દરવાજા પાસે રસ્તા પર થડા બનાવી દીધા છે. તેને લીધે ટ્રાફિકજામના થઈ રહ્યો છે. ત્યારે નવી શાક માર્કેટ બનાવવા મહાનગરપાલિકા પાસે માગણી કરવામાં આવી છે.
વઢવાણ શહેરની એક લાખની વસ્તી સામે માત્ર એક શાકમાર્કેટ શિયાણીની પોળમાં છે. પરંતુ 1990થી પાલિકા બજેટમાં નવી શાકમાર્કેટનું સપનું દર્શાવે છે. જે સાકાર થતું નથી. આથી હજારો ગૃહિણિઓ અને શાકવાળાઓ માટે નવી શાકમાર્કેટની માંગણી ઊઠી છે. વઢવાણ શહેરનો ચારે તરફ કૂદકેને ભૂસકે વિકાસ થયો છે. પરંતુ એકમાત્ર શાકમાર્કેટ જૈસે થે પરિસ્થિતિમાં છે. વઢવાણના પ્રવેશદ્વાર શીયાણીની પોળમાં શાકમાર્કેટ બનાવાઇ હતી. પરંતુ હાલ શાકમાર્કેટ બહાર અને દરવાજાની વચ્ચે આવી ગઇ છે. વઢવાણ શહેરની ગૃહિણિઓ શાકભાજી ખરીદવા શાકમાર્કેટની અંદર જતી જ નથી.
આ શાકમાર્કેટમાં જગ્યા ઓછી હોવાથી અવારનવાર પોકેટમાર કે છેડતીના બનાવો બની રહ્યા છે. તેથી હવે શાક વેચનારાઓ દરવાજાની વચ્ચે રસ્તા ઉપર જ બેસી જાય છે. આથી ટ્રાફીકજામ અને પશુઓનો અડિંગો જામવાથી અકસ્માતના બનાવો બને છે. આ અંગે લોકોના કહેવા મુજબ શાકમાર્કેટમાં વ્યવસ્થિત સ્ટોર કે દુકાનો નથી. અંબાજી મંદિર આસપાસ રખડતા ઢોરોનો ત્રાસ છે. શાકમાર્કેટની અંદર કોઇ જતું નથી. તેથી નવી શાકમાર્કેટની ખાસ જરૂર છે. છેલ્લા 25 વર્ષથી નવી શાકમાર્કેટના સમાચારો સાંભળીએ છીએ પણ બનતી નથી. જો નવી શાકમાર્કેટ બનાવવામાં આવે તો શહેરીજનોને ટ્રાફીકજામ ,ગંદકી અને અકસ્માતના બનાવો માંથી મુક્તિ મળે તેમ છે.