ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ. આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે.
તેમણે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે, ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટીશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે. રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે. આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનએ દુનિયાને આપી દીધો છે. ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.