દ્વારકાઃ દેવભૂમિદ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકામાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સિડી સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે. સમગ્ર મંદિરને કલાત્મક રોશનીથી શણગારવાનું કામ પણ ચાલી રહ્યું હોવાનું દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
હિન્દુ ધર્મના માનિતા પર્વ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટી કાશી તરીકે ઓળખાતા ધર્મનગરી જામનગરમાં અત્યારથી જ જુદા જુદા કાર્યક્રમોના આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેશભૂષા તેમજ જન્માષ્ટમીમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમ ઉજવાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના વાઘા અને તેમની સાથે જોડાયેલા પાત્રના વસ્ત્રોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના કપડામાં પીળા કલરના ધોતી ઉપરાંત વાંસળી, સ્ટોન વાળી માળા, પાઘડી, મુગટ અને સ્પેશિયલ પ્રકારની મોજડીની માંગ વધી રહી છે. સાથે સાથે વાસુદેવ, દેવકી જેવા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પાત્રોના પોશાકની પણ માંગ જોવા મળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના વાઘાની વાત કરીએ તો 250 રૂપિયાથી લઈ 600 રૂપિયા અને તે ઉપરાંતના પણ વાઘા ઉપલબ્ધ છે. જેમાં જુદી જુદી વેરાયટી ઉપલબ્ધ છે.
શાળાઓ ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાર્યક્રમ ઉજવાતા હોય છે અને પરિવારમાં પણ બાળકને ભગવાન શ્રીકૃષ્ણના આબેહૂબ રૂપ ધારણ કરી જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવતું હોય છે આથી તેમના વાઘાની માંગ જોવા મળી રહી છે.