કથાકાર ‘નવલ’કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં.
અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ.
પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે.
આપણા ચોવીસ તત્વોની રક્ષા રામ કરે છે.
આંતર જગતને શબ્દની કોઈ જરૂર હોતી નથી.
રામકથા વિરહ,વિચાર,વિશ્વાસ, વિવેક,વિરાગની કથા છે.આશીર્વાદ પાંચ સ્થળે પાંચ સમયે પ્રાપ્ત કરવાથી અસ્તિત્વ પણ એને પૂરા કરે છે એવું કહીને મોમ્બાસાની ભૂમિ પર ત્રીજા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ અહીં થતા સાંધ્ય કાર્યક્રમ વિશે પણ વાત કરી.
ગુજરાતથી અનેક સર્જકો અહીં ઉપસ્થિત છે.જેમાં મૃગાંક શાહ-અમી શાહ તેમજ અન્ય લોકોની મૌલિક પ્રસ્તુતિ,નૃત્ય,વંદના વગેરે પ્રસન્ન કરી ગયા એ વાત બાપુએ કરી.
પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે.એટલે કે પૂજા પતી ગયા પછી,કોઈએ સંધ્યા પૂરી કરી હોય એ પછી કોઈ અતિથિને ભોજન કરાવીને એ આપણને આશીર્વાદ આપે ત્યારે,ધ્યાનમાંથી કોઈ ઉભા થાય એના અંતે અને રાત્રી સમયે વડીલો પાસેથી મેળવેલા આશીર્વાદ ખૂબ જ ફળ આપે છે.
કોઈને મુસ્કુરાહટનું-સ્મિતનું દાન આપો એનાથી મોટું કોઈ દાન નથી.
આપણે ત્યાં ક્રિયમાણ,સંચિત અને પ્રારબ્ધ કર્મ છે. પણ અગ્નિ એવી વ્યવસ્થા છે કે આપણા આ ત્રણેય કર્મની ગઠરી આપણા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે.આપણી પાસે જ્ઞાનાગ્નિ,યોગાગ્નિ,વીરહાગ્નિ, અને પ્રેમાગ્નિ હોય તો આ કર્મ પરેશાન કરતા નથી. સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ અમૃતસરમાં કોઈ એક કાર્યક્રમમાં એક મંચ ઉપર બેઠા હતા અને રામતીર્થ વિવેકાનંદજીને પૂછે છે કે ઘડિયાળમાં શું સમય થયો? વિવેકાનંદ કહે છે કે એક વાગ્યો છે. થોડીવાર રહીને પૂછ્યું,ફરી એ જ જવાબ મળ્યો,એક.આવી રીતે સાત વખત પૂછ્યું.દરેક વખતે વિવેકાનંદે કહ્યું એક! વિવેકાનંદજીના કહેવાનો મતલબ હતો કે અહીં બધું એક જ છે.એટલે જ મૂળને પકડો,ડાળને ન પકડો.
આજે અહીંના ગવર્નર પણ વ્યાસ વંદના કરવા માટે ઉપસ્થિત હતા.લોકસાહિત્ય કહે છે કે:
આરા ન ઉતરાય,એ ચોમાસે ન સાંભરે;
એના જેઠે પાણી જોને જાય,
પછી એમાં કંકર ઊડે ‘કાગડા’
અમુક વિચારધારા અમુક સમય સુધી જ હોય છે પછી સુકાઈ જાય છે,પણ સનાતની વિચારધારા ક્યારેય ડૂકશે નહીં કારણકે એ આકાશથી ઉતરી છે અને એના મૂળ ખૂબ ઊંડા છે.
બાપુએ કહ્યું કે હું હંમેશા મૂળ સિંચુ છું.
કાગબાપુ એમ પણ કહે છે કે:
મીઠપવાળા માનવી જેદી જગ છોડીને જશે,
‘કાગા’ એની કાણ ઘર ઘર મંડાશે.
અહીં પુષ્પવાટિકાના પ્રસંગમાં બંને ભાઈઓ વિશ્વામિત્રના ચરણોમાં પુષ્પ મૂકે છે ત્યારે વિશ્વામિત્ર આશીર્વાદ આપે છે કે આપ બંનેના મનોરથો સફળ થશે.રામના તો ઠીક છે,મનોરથ હતો સીતાજીના વિવાહ માટે.પણ લક્ષ્મણ મનોરથ શૂન્ય હતા,એનો કોઈ મનોરથ ન હતો.ભરતજી એ નવનો પૂર્ણાંક છે, રામ એ એક છે,જે અવધેશકુમાર છે,રામનો અંક એક છે.શત્રુઘ્ન અને લક્ષ્મણ એ શૂન્ય છે.વિશ્વામિત્ર પૂછે છે(બિટવીન ધ લાઇન્સ) કે:તારો કયો મનોરથ છે ત્યારે લક્ષ્મણ કહે છે જાનકી મારી માતા બનશે,રામ મારા પિતા બનશે અને હું નિરંતર સેવા કરીશ અને આ મનોરથ અયોધ્યાકાંડમાં જાણે સુમિત્રા મા એ પણ પકડી લીધો હતો.
આપણી સાથે ૨૪ તત્વ જોડાયેલા છે:પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,પંચતત્વ,પાંચ પ્રાણ તથા મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર-આ ૨૪ તત્વોની રક્ષા રામ કરે છે,પરમ તત્વ રક્ષા કરે છે.
જેમ શબ્દ બ્રહ્મ છે એમ અશબ્દ પરબ્રહ્મ છે.કારણ કે આંતર જગતને શબ્દની કોઈ જરૂર હોતી નથી. સુરક્ષા બહિર હોય છે અને સંરક્ષક ભીતર હોય છે. રક્ષક બહાર હોય છે,સંરક્ષક ભીતર હોય છે.
બાપુએ કહ્યું કે માનસ જ મારો મહાદેવ છે.માનસ મારુ શિવલિંગ છે એટલે આપ જે કંઈ પત્ર મોકલો જે કાંઈ લખીને મોકલો એ બધું જ હું બીલિપત્રની જેમ આ શિવ ઉપર ચડાવી દઉં છું.
પંચતત્વોમાં પૃથ્વી-જેના ત્રણ લક્ષણો:ધીરતા,ક્ષમા અને સહનશીલતા છે-આપણા ધૈર્યની,ક્ષમાની અને આપણી સહનશીલતાની રક્ષા રામ કરે છે.જળનો દેવતા વરુણ છે જેની રક્ષા પણ રામે કરી છે.પવન- વાયુની રક્ષા રામ કરે છે.હનુમાન લંકા દહન વિનાવિઘ્ને પાર કરે છે.અગ્નિ તત્વની રક્ષા રામ કરે છે જાનકીજીનાં વિરહ અગ્નિને રામ રક્ષણ આપે છે. કથાકાર ‘નવલ’કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં.અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ. એક દ્રશ્ય એ પણ છે કે ભરત ચિત્રકૂટમાં મળવા જાય છે ત્યારે રામ પહેલા અયોધ્યાને,પછી માતા પિતા અને પરિવારને બધા ભાઈઓ અને પોતાની પ્રજાને યાદ કરી અને પ્રેમથી એની રક્ષા કરે છે. મોટામાં મોટો દોષ કયો છે? બધી બાબતમાં મારા જેવું કોઈ હોશિયાર નથી એવું માનવું એ સૌથી મોટો દોષ છે.અને કોઈનામાં ગુણદોષ ન જોવો કે સૌથી મોટો ગુણ છે.રામકથા વિરહ,વિચાર,વિશ્વાસ, વિવેક,વિરાગની કથા છે.
જ્યારે કામ અતિ કુપિત થઈ અને હુમલો કરે છે ત્યારે કામ ક્રોધ અને લોભથી રક્ષા પણ રામ કરે છે. એટલે જ હું સૂત્ર આપું છું:રક્ષક બહાર હોય છે સંરક્ષક અંદર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here