વડોદરાઃ જિલ્લાના ડભોઇ શહેરમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. અને હડકાયા કૂતરાએ માત્ર 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા નાસભાગ મચી હતી. આતંક મચાવનારા હડકાયા કૂતરાના હુમલાનો ભોગ બનેલા 10 ઇજાગ્રસ્તોને મોડી રાત્રે વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ નગરમાં વધી ગયેલા કૂતરાનો ત્રાસ દૂર કરવા નગરપાલિકા પાસે માગ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ડભોઇમાં હડકાયા કૂતરાએ શહેરના નાંદોદી ભાગોળ, સુરજ ફળિયા, રબારી વગા, શિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં જે વ્યક્તિ દેખાય તેની પાછળ દોડી બચકા ભર્યા હતા. માત્ર 3 કલાકમાં આશરે 25થી 30 જેટલા લોકોને બચકાં ભરી ઈજા કરી હતી. મોડી સાંજે બનેલી આ ઘટનાથી ભયનો માહોલ છવાઇ ગયો છે. સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો આ આતંક રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. કૂતરાના હુમલાનો ભોગ શિકાર બનેલાઓમા કિરણભાઈ ગોવિંદભાઈ વસાવા, સંજી ગલીયા વસાવા, યુનુસ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરૂણભાઈ વસાવા, રાકેશભાઈ રમેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ નિમેષભાઈ, અતુલ કાલિદાસ, શૈલેષભાઈ સહિત 25 જેટલા લોકો લોહીલુહાણ હાલતમાં ડભોઇ સરકારી દવાખાને પહોંચ્યા હતા. તબીબોએ ઈજાગ્રસ્તો પૈકી ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.
ડભોઇના નાગરિકોના કહેવા મુજબ આતંક મચાવનાર હડકાયેલા કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને શિકાર બનાવ્યા હતા. કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા. ડભોઇ નગરમાં 3 કલાક સુધી કૂતરાના ચાલેલા આ આતંક દરમિયાન નગરપાલિકા કે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.