ભાવનગરઃ લાંબા વિરામ બાદ ગઈ મઘરાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું છે, પણ હજુ ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ હતું, હાલ મૌલાત ઉગીને બહાર નીકળી ગઈ છે, ત્યારે જ વરસાદ ખેચાયો છે. છેલ્લા એક માસથી વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતાં ખેતરોમાં વાવેલો પાક મુરઝાઈ રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં હાલની સ્થિતિમાં વરસાદની અત્યંત જરૂરિયાત છે. ખેડૂતો અને પાકને નવજીવન માટે વરસાદ આવશ્યક બની ગયો છે. જો આવું વાતાવરણ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લાને નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળ્યો નથી. ખેડૂતો કૂવા અને બોર આધારિત સિચાઈ કરી રહ્યા છે. મહિના પહેલા પડેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવાણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ હતું. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને દવા સહિતની તમામ વસ્તુઓ ખેતરમાં ઊભેલા પાકને પૂરી પાડી દીધી છે. હવે માત્ર એક સારો વરસાદ પડી જાય તો જ મોલાતનો ઉપયોગ થઈ શકે અને વર્ષ સારું જવાની આશા બંધાય. આકાશમાં વાદળો ચડે છે અને ઉતરે છે, પરંતુ વરસતા નથી.

મહુવા તાલુકામાં કેટલાક ગામડાઓમાં નહિવત વરસાદને કારણે ખેતરોમાં ઊભેલી મોલાત સુકાવા લાગી છે. હાલ ખેડૂતો કૂવા, ડીપવેલ અને ટપક પદ્ધતિથી કામ ચલાવી રહ્યા છે. જે ખેડૂતો પાસે સગવડ રૂપે પાણીની વ્યવસ્થા છે તેમની સ્થિતિ ઠીક છે, પરંતુ જેમની પાસે આવી વ્યવસ્થા નથી તેવા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.  ખેડૂતો હવે ભગવાન ભરોસે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ન આવવાથી ખેડૂતોની ચિંતા દિન-પ્રતિદિન વધતી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here