અમદાવાદઃ ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં તાજેતરમાં વાદળો ફાટતા હોનારતની સ્થિતિ સર્જાતા પૂરના પાણીમાં અને ભેખડો ધસી પડતા અનેક લોકો લાપત્તા બનતા હાલ બચાવની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાંથી ભાવનગર, બનાસકાંઠા અને પાટણ સહિત કેટલાક જિલ્લાઓમાં યાત્રાળુંઓ ચારધામની યાત્રાએ ગયા છે. જેમાં હારિજના 13 યાત્રિકોનો કોઈ સંપર્ક ન થતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પરિવારજનોએ ગુજરાત સરકારને પણ રજુઆત કરી છે.

ઉત્તરાખંડમાં ધરાલી વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટના બાદ અનેક ગુજરાતી યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠા, ભાવનગર, અને પાટણ સહિતના વિસ્તારોના અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો છે. પાટણ જિલ્લાના હારીજ ખાતેથી ચારધામ યાત્રાએ ગયેલા એક જ પરિવારના 13 સભ્યોનો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી છે. જોકે પરિવારજનો જણાવી રહ્યાં છે કે અમારે ડ્રાઇવર સાથે વાત થઇ છે, તેમનું કહેવું છે કે બધા સુરક્ષિત છે, પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય.

ઉત્તર ગુજરાતાના હારીજના રાવળ સમાજના 13 સભ્યો 1 ઓગસ્ટના રોજ ચારધામ યાત્રાએ નીકળ્યા હતા. યાત્રિકો મહેસાણાથી ટ્રેન મારફતે હરિદ્વાર અને ત્યાંથી ટ્રાવેલ્સ દ્વારા ગંગોત્રી જવા રવાના થયા હતા. ગંગોત્રી પહોંચતા પહેલા પરિવારના એક સભ્ય રમેશભાઈ જીવનભાઈ રાવલના દીકરાએ ફોન પર વાત કરી હતી. જોકે, તે રાત્રે ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા બનેલા આ 13 યાત્રાળુઓ અંગે પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તંત્ર તાત્કાલિક તેમનો સંપર્ક કરાવે તેવી અપીલ કરી રહ્યા છે. પરિવારજનોએ આ અંગે હારીજ મામલતદાર ઓફિસને પણ જાણ કરી છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના 10 લોકો અને ભાવનગરના 15 જેટલા સભ્યો પણ ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારજનો પણ સંપર્ક કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરી ઝડપી બને તેવી આશા રાખી રહ્યા છે. ઉત્તરાખંડમાં થયેલી આ કુદરતી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ફસાયેલા યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here