ભાવનગરઃ જિલ્લાનો મહત્વનો ગણાતો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ વ્યાપક મંદીનો દારમાં ફસાયો છે. હાલ એવી સ્થિતિ છે કે, અલંગમાં 153 પૈકીના માત્ર 30 ટકા પ્લોટ્સમાં જ શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી છે. જહાજોની ખરીદ કિંમત અમેરિકન ડોલરમાં બેંક મારફતે ચૂકવવાની હોય છે, અને ડોલર સામે રૂપિયો સતત ઘસાતો જાય છે તેમજ વિશ્વમાં ચાર દેશો વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે જહાજની ઉપલબ્ધતા ઘટી છે, ઘરઆંગણે બીઆઇએસની સમસ્યાથી ઉદ્યોગકારો પીડાઇ રહ્યા છે. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ સુસ્ત છે. આવા બધા કારણોને લીધે મંદી વ્યાપક બનતી જાય છે.

અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગ ક્ષેત્રે છેલ્લા બે વર્ષથી માઠી બેઠી છે, એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. છેલ્લા બે મહિનાથી શિપ બ્રેકર્સને વર્ષ 2025 સારૂ જશે તેવી આશા જન્મી હતી અને જહાજ ધીમી ગતિએ આવવાનું શરૂ થયુ ત્યાં ફરી ડોલર સામે રૂપિયો ગગડી જતાં ફરીવાર તેજીની આશા ઠગારી નિવડી છે. ભાવનગર જિલ્લામાં બે મહત્વાના ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે જેમાં હીરા ઉદ્યોગમાં અનેક કારખાનાંને તાળાં લાગી ગયા છે. જ્યારે શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં પણ વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે.હાલ અલંગમાં 153 પ્લોટ પૈકી માંડ 30 ટકા પ્લોટમાં જહાજની કામગીરી ચાલી રહી છે અને તે પૈકીના 12 જહાજ તો પૂર્ણતાના આરે છે.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ ભંગાણાર્થે અલંગમાં આવતા જહાજોની ખરીદ કિંમત અમેરિકન ડોલરમાં બેંક મારફતે ચૂકવવાની હોય છે, અને ડોલર સામે રૂપિયો સતત ઘસાતો જાય છે અને તે ક્યાં જઇને અટકશે અથવા સ્થિતિ સુધરશે કે કેમ તેના અંગે કોઇ કહી શકે તેમ નથી. બીજી તરફ સ્થાનિક સ્ક્રેપ માર્કેટમાં પણ ઠંડુ વાતાવરણ છવાયેલુ છે. ઓક્ટોબર-2024માં 12 શિપ, નવેમ્બર 2024માં 14 શિપથી 1.86 લાખ ટનના જહાજો ભાંગવા માટે અલંગમાં આવ્યા હતા, અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હલન-ચલન જોવા મળી રહી હતી. નિષ્ણાંતો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે, વર્ષ 2025થી અલંગમાં પરિસ્થિતિ પુન: પાટે ચડી જશે અને જહાજોનો ધમધમાટ જોવા મળી શકે છે.અમેરિકન ડોલર સામે ભારતના રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યું છે. જહાજની ખરીદી કરવામાં ડોલરનું મુલ્ય મહત્વનો ભાગ ભજવતુ હોય છે. જહાજની ખરીદી કર્યા બાદ બે મહિના પછી તે જહાજ અલંગમાં પ્લોટ સુધી પહોંચતુ હોય છે, તેથી બે મહિના પછી ડોલરની પરિસ્થિતિ શું હોઇ શકે તેના અંગે શિપ બ્રેકિંગ ઉદ્યોગકારો ચિંતિત બનેલા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here