ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડુતોની રજુઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડુતોને કોણપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે.

આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિતિ અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here