ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય  ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર  સંદીપકુમાર અને  કિશોરભાઈ કુહાડા સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના માછીમારોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવે તેવા શુભ આશય સાથે મંત્રી  રાઘવજી પટેલે આ બેઠકમાં માછીમારોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સંભાળીને સઘન ચર્ચા કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા OBM બોટમાં ડીઝલની સહાય આપવા માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે કેરોસીન અને પેટ્રોલ માટે પણ એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત જ કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોની આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.

આ ઉપરાંત માછીમાર આગેવાનો દ્વારા OBM બોટને બંધ સિઝન દરમિયાન પણ માછીમારી કરવાની મંજૂરી આપવા બાબતે મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મંત્રી  રાઘવજી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, માછલીની બ્રીડીંગ સિઝન દરમિયાન જ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને માછીમારી બંધ કરવાનો આદેશ  આપવામાં આવે છે. બંધ સિઝનમાં માછીમારી કરવાથી માછલીની બ્રીડીંગમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે અને રાજ્યનું મત્સ્ય ઉત્પાદન પણ ઘટી શકે છે. એટલા માટે જ, મંત્રીએ રાજ્યના તમામ માછીમારોને રાજ્ય સરકારના બંધ સિઝનના પરિપત્રનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી પ્રતિ માસ 150 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાયને વધારવા માટે પણ માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોના સૂચનને આવકારતા મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની તમામ OBM બોટને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરીને ટૂંક સમયમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આમ, મત્સ્યોદ્યોગ મંત્રીએ માછીમાર આગેવાનો દ્વારા કરવામાં આવેલી મોટાભાગની રજૂઆતોને હકારાત્મક વાચા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here