વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં અષાઢ પ્રારંભથી સારોએવો વરસાદ પડતા મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ખરીફ પાકને હાલ પાણીની ખાસ જરૂર છે, ત્યારે છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ વિલંબ થયો છે. ખેડૂતોએ વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રિપ અને ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં સીઝનનો માત્ર 37 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી લીધુ છે. હાલ મૌલાત ઉગીને બહાર નીકળી ગઈ છે. અને વરસાદની તાતી જરૂર છે. ત્યારે મેધરાજા રિસાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ હજુ સુધી પડ્યો નથી. કુવામાં પાણી છે પરંતુ તે સીમિત માત્રામાં છે. જો વરસાદ વધુ ખેંચાય તો આવનાર સમયમાં પાકને બચાવવું મુશ્કેલ બની શકે છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1,47,725 હેક્ટરમાં વાવેતર થઈ છે. તાલુકા પ્રમાણે જોઈએ તો વેરાવળમાં 20,563 હેક્ટર, તાલાલામાં 14,407 હેક્ટર, સુત્રાપાડામાં 20,565 હેક્ટર, કોડીનારમાં 29,175 હેક્ટર, ગિરગઢડામાં 28,315 હેક્ટર અને ઉનામાં 34,700 હેક્ટરમાં વાવેતર થયું છે.  જિલ્લામાં સૌથી વધુ 88,364 હેક્ટરમાં મગફળી, 27,764 હેક્ટરમાં સોયાબીન, 11,365 હેક્ટરમાં કપાસ અને 12,857 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર નોંધાયું છે. આગામી દિવસોમાં જો વરસાદ વધુ ખેંચાય તો આ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here