ગાંધીનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિયલ અનેક બિલ્ડિંગો આવેલી છે. આવા બિલ્ડિંગોમાં ફાયરની એનઓસી લીધા પછી તેને રિન્યુ કરાવવામાં આવતી નથી. અથવા તો કેટલાક બિલ્ડિંગધારકોએ ફાયરની એનઓસી લીધી જ નથી. આથી મ્યુનિના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સમગ્ર શહેરના તમામ બિલ્ડિંગ્સ, રહેણાક-વાણિજ્ય એકમોમાં ફાયર સેફ્ટી મામલે કડક ચેકિંગ હાથ ધરાયું હતું અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોય તેવા એકમો સામે કાર્યવાહી પણ કરાઇ હતી. હવે ફરી એક વાર શહેરના એકમોને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે તાકીદ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા તેની ચકાસણી પણ કરાશે.

ગાંધીનગરના રહેવાસીઓ, વેપારીઓ અને સંસ્થાઓને આગથી સુરક્ષા માટેના નિયમોનું કડક પાલન કરવા અંગે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ફરી એક વાર તાકીદ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું, તેને કાર્યરત રાખવું અને સમયસર રીન્યુ કરાવવું ફરજિયાત છે. આમાં હોટેલ્સ, એપાર્ટમેન્ટ્સ જેવી રહેણાક ઇમારતો, શૈક્ષણિક ઇમારતો, હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ, સિનેમા હોલ, પાર્ટી પ્લોટ, શોપિંગ મોલ્સ, મેટ્રો/ રેલવે સ્ટેશનો, બિઝનેસ બિલ્ડીંગ્સ, મર્કન્ટાઇલ બિલ્ડીંગ્સ, સ્ટોરેજ બિલ્ડીંગ્સ અને હેઝાર્ડસ બિલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.

ફાયર સેફ્ટી સંબંધિત તમામ અરજીઓ, જેમ કે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રીન્યુઅલ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ માટે ગુજરાત સરકારની વેબસાઇટ gujfiresafetyco.in પર ઓનલાઇન કરવાની રહે છે. ઇમારતોમાં ફાયર સિસ્ટમની નિયમિત તાલીમ અને મોકડ્રીલ કરાવવી પણ અનિવાર્ય છે. સર્ટિફિકેટનું રીન્યુઅલ ગુજરાત સરકાર દ્વારા તાલીમ પામેલા ક્વૉલિફાઇડ ફાયર સેફ્ટી ઑફિસર મારફતે ઓનલાઇન પોર્ટલ દ્વારા જ કરાવી શકાશે. ફાયર તંત્ર દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની, ફાયર સિસ્ટમ કાર્યરત રાખવાની અને તેનું રીન્યુઅલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઇમારતોના માલિકો, હોદ્દેદારો, સંચાલકો કે કબજેદારોની રહેશે. જો આ નિયમોનું પાલન કરવામાં કોઈ ચૂક થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિઓ કે સંસ્થાઓની ગણાશે અને તેની સામે પગલાં લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here