અમદાવાદઃ પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.

“ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો”.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા… અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ ‘ભારતીય નાગરિકતા એનાયત’ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશ મુજબ, રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીએ જ્યારે કહ્યું કે, “હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો..” ત્યારે ઉપસ્થિત લોકોએ “ભારત માતા કી જય”ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા.

મંત્રીએ રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે, આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના ૧૮૫ લોકોને નવું જીવન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here