ગાંધીનગરઃ  ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં કુદરતી વાતાવરણ માણવા આવે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આવતી કાલ તા. 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે, પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, આ સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પહેલીવાર એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. તેમજ આ વર્ષે રેઇન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here