અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ વાઈસ ચેરમેન તરીકે રાજકોટ ડેરીના ચેનમેન ગોરધન ધામેલીયા સર્વાનુમત્તે ચૂંટાયા છે.
આણંદમાં સહકારી ક્ષેત્રે વિશ્વફ્લક પર નામના મેળવતાં અમૂલનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF)ના હાલના ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરી (દૂધસાગર ડેરી-મહેસાણાના ચેરમેન) અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયા (ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ.)ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 90 હજાર કરોડને આંબી ગયું છે. દર વખતે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલે સિલેકશન જેવી પરંપરા ચાલી આવે છે, માત્ર એક જ ફોર્મ ભરાય છે. GCMMFમાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલ સિલેકશનની ચાલી આવતી પરંપરા અનુસાર આ વખતે સુકાનીઓ અશોક ચૌધરી અને ગોરધન ધામેલીયાને આપવામાં આવી છે.
અમૂલ-ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ફેડરેશનના સભ્ય સંઘો એવા ગુજરાતના 18 ડેરી સંઘોના ચેરમેન, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મત આપવામાં આવે છે. જેમાં ડેરી સંઘોના દૂધના ધંધાના આધારે મત નક્કી થયેલા હોય છે. જોકે, ફેડરેશનની સ્થાપનાથી લઇને અત્યારસુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઇ નથી, કારણ કે મતદાર એવા બોર્ડના સદસ્યો દ્વારા સર્વાનુમતે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે.