નવી દિલ્હી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સ્મૃતિ મંધાનાએ આજે ​​આયર્લેન્ડ સામે રાજકોટમાં રમાઈ રહેલી વન-ડે સિરીઝની અંતિમ મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમીને 70 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે સ્મૃતિએ મહિલા વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે હરમનપ્રીત કૌરનો સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો.

હરમનપ્રીતના નામે 87 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ હતો. તેણે વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વનડે મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. હરમનપ્રીતે આ પહેલા 2017માં ઓસ્ટ્રેલિયા સામે પણ 90 બોલમાં સદી ફટકારી હતી. મંધાનાએ 80 બોલમાં 135 રન બનાવ્યા જેમાં તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ રીતે તેણે ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી. હવે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંને પાસે 52-52 છગ્ગા છે. સ્મૃતિએ આ સદી સાથે વધુ એક રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં વનડેમાં 10 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગઈ છે.

ભારત માટે જેમિમાહ રોડ્રિગ્સે આ જ શ્રેણીમાં રાજકોટમાં આયર્લેન્ડ સામે 90 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે હરલીન દેઓલે ગયા વર્ષે 2024માં વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 98 બોલમાં સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા વનડેમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર મેગ લેનિંગ 15 સદી સાથે ટોચ પર છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 13 સદી સાથે બીજા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ 10 સદી સાથે ત્રીજા સ્થાને છે અને આજે સ્મૃતિએ તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here