ગાંધીનગરઃ મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં મુખ્યમંત્રી કહ્યું કે, આજે મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છે. એટલું જ નહિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશાગ્ર નેતૃત્વને કારણે વિશ્વની અપેક્ષાઓ પણ ભારત પાસેથી વધી ગઈ છે ત્યારે દેશના મેરિટાઈમ સેક્ટરને નવી ઊંચાઈઓ સર કરાવવાનું દાયિત્વ આ સેક્ટરમાં પદાર્પણ કરી રહેલી યુવા શક્તિએ નિભાવવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા સાથે પોર્ટ અને મેરિટાઈમ વિરાસતને આધુનિક જ્ઞાન કૌશલ્યથી સંવર્ધિત કરીને આ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેઈન્ડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી.
આ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં એલ.એલ.એમ. વિદ્યાશાખાના 188 અને એમ.બી.એ.ના 62 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.