અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તાર ગોતામાં રહેતા સિનિયર સિટિઝન એવા ઓએનજીસીના સિનિયર આસિસ્ટન્ટ મહિલા અધિકારીને  મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને છ દિવસ સુધી ડિજીટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1.36 કરોડ રૂપિયા પડાવતી સાયબર માફીયા ગેંગના છ સાગરીતોને ઝડપી લેવામાં સાયબર ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપી પૈકીનો મુખ્ય આરોપી ટેલિગ્રામ ચેનલ દ્વારા ચાઈનિઝ ગેન્ગના સંપર્કમાં રહેતો હતો. સાબર ગેન્ગના છ સાગરીતો સાયબર માફીયાઓને કૌભાંડ કરવા માટે બેંક એકાઉન્ટ અને સીમ નંબર પ્રોવાઇડ કરતા હતા. તેમને આ કાંડમાં કેટલું કમિશન મળતું હતું. તેની તપાસ ચાલી રહી છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના ગોતા  વિસ્તારમાં આવેલી વંદેમાતરમ નજીક રહેતા મહિલા ઓએનજીસીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમને ફોન પર 31મી મેના રોજ એક અજાણયા નંબર પરથી કોલ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ ટ્રાઇના અધિકારી તરીકે આપી હતી. ત્યાર બાદ સીબીઆઈના  યુનિફોર્મમાં સજ્જ બોગસ અધિકારીએ તેમને વોટ્સએપ કોલ કરીને તમારા કેનરા બેંક એકાઉન્ટમાં બે કરોડ રૂપિયા જેટલા બ્લેક મની હોવાનું કહી ધમકાવ્યા હતા. સાથે સાથે આવા ટ્રાન્જેક્શનમાં તમારી સંડોવણી હોવાનું કહી વોરન્ટ ઇશ્યુ કરવાની વાત કરી હતી.સાથે સાથે ઘરમાં રહેતા તેમના માતાનો પણ નંબર મેળવી લીધો હતો. મહિલા અધિકારીને એટલી હદે ડરાવી દેવયા હતા કે તેઓ કોઇનો ફોન પણ રિસીવ કરી શકતા નહોતા. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બોગસ જજ ગોગાઇ સાથે વાત કરાવી હતી બેંક એકાઉન્ટમાંના 35 લાખ રૂપિયા ટ્રન્સફર કરાવ્યા હતા. મહિલા પાસે આરટીજીએસનું ફોર્મ ભરાવીને તેમની જુદી જુદી એફડી તોડાવી તે રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી દેવાયા હતા. છ દિવસમાં મહિલાના રૂપિયા 1.36 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારે જ તેમના સ્વજન ઘરે આવતાં તેમણે આ સાયબર ફ્રોડ હોવાનું કહી ફરિયાદ કરાવી હતી.

સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. લવિના સિંહા અને એસીપી હાર્દિક માંકડીયાએ પીઆઇ દેસાઇને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન આ રૂપિયા નિશાંત રાઠોડના ખાતામાં જમા થયા હતા. જેને પગલે પોલીસે તેને ઝડપી લઇ તપાસ કરતા નિશાંતે યશ પટેલના કહેવાથી ગૂરૂકુળની બંધન બેંક બ્રાંચમાં એકાઉન્ટ ખોલાવ્યું હોવાનુ સામે આવ્યું હતું. યશ પટેલને ઝડપી લેવાતાં તેમણે આ બેંક એકાઉન્ટ કુલદીપ તતા હીતેશ અને સિદ્ધરાજને એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આપવામાં આવ્યા હતા. જે એકાઉન્ટ વિદેશથી ઓપરેટ થવા લાગ્યા હતા. તપાસ દરમિયાન આ કાંડમાં સંડોવાયેલા છ સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. જેઓ સાયબર માફીયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરતા હતા. જેમાં તેમનું કમિશન મળી જતું હતું. તપાસમાં મોટા ખુલાસા થશે. પકડાયેલા આરોપીમાં  નિશાંત અશોકકુમાર રાઠોડ( ઉવ. 43 રહે. વસ્ત્રાલ અમદાવાદ),  યશ ઉર્ફે ચુચુ સુરેશભાઇ પટેલ(ઉવ.. વ્રજવાટીકા, દ્વારકેશ ફાર્મ, વસ્ત્રાલ), કુલદીપ જેઠાભાઇ જોશી(ઉવ. 20 રહે. નવદુર્ગા સોસાયટી. નરોડા),  હિતેશ મફાભાઇ ચૌધરી(રહે. નવદુર્ગા સોસાયટી., નરોડા),  સિદ્ધરાજ રાણજી ચૌહાણ(નવદુર્ગા સાસોયટી, નરોડા), જગદીશ જીવાભાઇ ચૌધરી(ઉવ. 27 રહે. ધાખાગામ ધાનેરા બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here