અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ 2023થી છેલ્લા 3 વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ 4.48 કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને  4.46 લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન  8,956 મેલેરિયાના કેસ, 15,841 ડેન્ગ્યુના કેસ અને 1,345 જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ 2025 માં છેલ્લા 28 સપ્તાહમાં 92.86 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 860 કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે 40 નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે 67 હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી 728 કેસ ડેન્ગ્યુના તેમજ 130 કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.  

આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોની અંદાજે 2.04 લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા. 16 મે-2025 થી 11 જુલાઈ-2025 સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા.1 ઓગસ્ટ, 2025થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા 2460 વ્યક્તિઓ સાથેની કુલ 492 વેક્ટર કંટ્રોલ ટીમ  મૂકવામાં આવી છે. 

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા. 09 થી 21 જૂન, 2025 દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 92 ટકા વસ્તી કવર કરવામાં આવી છે. જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા. 21 જુલાઇ, 2025થી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 3,431 જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આમ, વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here