રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કામગીરી કરાવવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકતા નથી. શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કામગીરી ન લેવા છેલ્લા ઘણા વખતથી માગણી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી માટે બી.એલ.ઓ એટલે કે બુથ લેવલ ઓફિસરના ઓર્ડર આપવામાં આવે છે, પરંતુ તેમાં 80 ટકા ઓર્ડર શિક્ષકોને આપવામાં આવે છે. 1517 બૂથમાં 1139 બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો હોય છે. ઉપરાંત ફ્લડની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવે છે આ સાથે જ જે તે વિસ્તારમાં હત્યા, લેન્ડ ગ્રેબિંગ કે મારા મારી સહિતની કોઈપણ ઘટના બને તો તેમાં પંચ તરીકે શિક્ષકોની સેવા લેવામાં આવે છે અને તેથી તે જે દિવસે શિક્ષકોને પંચ તરીકે જવાનું હોય ત્યારે આખો દિવસ શિક્ષકને શાળાને બદલે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડે છે. જેથી શિક્ષકોને વધારીને કામગીરીમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના કહેવા મુજબ  શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી સોંપવામાં આવે છે, ફ્લડની કામગીરીમાં શિક્ષકોને રોકવામાં આવે છે, અલગ અલગ પોલીસ કેસમાં પંચ તરીકે રોકવામાં આવે છે. આ પ્રકારના અનેક પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 824 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં 4,850 શિક્ષકો છે અને 674 જેટલા શિક્ષકોની ઘટ છે. જોકે BLO અને ફ્લડ સહિતની કામગીરીમાં શિક્ષકોને રોકવામાં આવતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં 1517 બુથ આવેલાં છે. જેમાંથી BLO તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોની સંખ્યા 1139 છે. જ્યારે અન્ય કચોરીના સ્ટાફની સંખ્યા માત્ર 378 છે. જેથી મોટાભાગના પ્રાથમિક શિક્ષકો BLOની કામગીરીમાં રોકાયેલા રહે છે. અને તેથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને ગંભીર અસર પહોંચે છે. બાળકો માટે પ્રાથમિક શિક્ષણ પાયાનું જ્ઞાન ગણવામાં આવે છે. જોકે, આ સમયે જ પ્રાથમિક શિક્ષકોને સરકારની અલગ અલગ વધારાની કામગીરીમાં જોતરવામાં આવતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. પ્રાથમિક શાળાના બાળકો પાયાના શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને 80 ટકા શિક્ષકો BLO તરીકે કાર્યરત છે, ત્યારે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જે શિક્ષકો 10 વર્ષ કે તેથી વધુ સમયથી બુથ લેવલ ઓફિસર તરીકે કાર્યરત હોય તો તેમને હવે આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે, મહિલા કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે, ગણિત વિજ્ઞાનના શિક્ષકોને પણ મુક્તિ આપવામાં આવે. આ સાથે જ ફ્લડની કામગીરી અન્ય કોઈપણ કર્મચારીઓ કરી શકે છે ત્યારે તેમાં શિક્ષકોને ઓર્ડર ન આપવા જોઈએ તેવી માંગણી છે. (file photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here