રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતના બનાવમાં કોલેજિયન યુવતીનું મોત નિપજ્યું હતું. આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતા ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા કોલેજે જતી યુવતીનું મોત થયુ હતું. કણસાગરા કોલેજમાં બી. કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી ત્યારે શહેરના હનુમાન મઢી ચોક પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જુહી તરુણભાઈ નળીયાપરા (ઉંમર વર્ષ 20, રહે બજરંગવાડી સર્કલ, શેરી નંબર 12, રાજકોટ) અને નિશા મેરુભાઈ રાણંગા (ઉં. વ. 20, રહે. નંદનવન સોસાયટી, શેઠનગરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ) આજે સવારના 7:30 વાગ્યે એક્ટિવામાં કોલેજે જતા હતા નિશા એક્ટિવા ચલાવતી હતી અને જુહી એકટીવામાં પાછળ બેઠી હતી. ત્યારે હનુમાન મઢી ચોકમાં હનુમાન મંદિર પાસે પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને હડફેટે લીધું હતું. જેમાં જુહીને ઈજા પહોંચતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે નિશાનો આબાદ બચાવ થયો હતો. જુહી નળીયાપરાના પગ અને કમરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. ડમ્પર સ્થળ પર જ મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.

જુહીને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ઇમર્જન્સી વિભાગમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવવાની જાણ બંને યુવતીના પરિવારને થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જુહીના પિતા તરુણભાઈએ જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે બજરંગવાડી સર્કલ, શેરી નંબર 12 રહે છે. નાના મવા રોડ પર આંબેડકરનગર ખાતે મોબાઈલની દુકાન ચલાવે છે. તેઓને સંતાનમાં 1 દીકરો અને બે દીકરી છે. જેમાં જુહી સૈથી મોટી છે. જુહી કોટેચા ચોક કાલાવડ રોડ પર આવેલા કણસાગરા કોલેજમાં બી. કોમ. ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here