ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જતા રોડ પર ભાટ સર્કલ પર કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ વીવીઆઈપી રૂટ્સ હોવાથી કેબલ સ્ટેઈડ બ્રિજનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છે. 4 કેબલ લગાવી દેવાયા છે. બાકીના 12 કેબલ લગાવવાની કામગીરી બે દિવસમાં પૂર્ણ થઇ જશે અને 4 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે,
ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પરનો શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રિજ 4 વર્ષના વિલંબ બાદ હવે માત્ર ચાર મહિનામાં ખુલ્લો મુકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે, અને બ્રિજની ખાસિયત પ્રમાણે કેબલો લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગુરુવારે પ્રથમ દિવસે જ અમદાવાદ તરફના છેડે 4 કેબલ લગાવી દેવાયા છે. બાકીના 12 કેબલ લગાવવાની કામગીરી બે દિવસમાં પૂર્ણ થઇ જશે. તે પછી ગાંધીનગર તરફના છેડે કેબલ લગાવવાની કામગીરી શરૂ કરાશે. સંભવત: નવેમ્બરમાં આ બ્રિજ ખુલ્લો મૂકાય તેવા લક્ષ્યાંક છે.
ગાંધીનગરથી એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ તરફ 1.20 લાખ જેટલા વાહનો પસાર થાય છે. જેથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવાની મંજૂરી સરકાર દ્વારા અપાઈ હતી. શરૂઆતમાં કોરોના અને તે પછી કેબલ આવવામાં વિલંબ થવાને કારણે આ બ્રિજનો પ્રોજેક્ટ 4 વર્ષ જેટલો ડીલે થઇ ગયો હતો. પરંતુ તે પછી ગત વર્ષની આખરમાં કામગીરી હાથ ધરાઈ હતી. એરપોર્ટ રોડ પર વીવીઆઇપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલમાં બંને તરફના ટ્રાફિક માટે ડાયવર્ઝન અપાયા છે. આ પ્રકારનો કેબલ સ્ટેઇડ બ્રિજ રાજ્યનો બીજો બ્રિજ બનશે. દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે દરિયા પર બનાવવામાં આવેલો બ્રિજ પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ છે. જોકે, શહેરી વિસ્તારમાં આ પ્રથમ બ્રિજ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ માટે ખાસ ચાઇનાથી કેબલ મંગાવવામાં આવ્યા હતા. કેબલની ખરીદી ચાઇનાથી કરવામાં આવી હતી જ્યારે તેનું મટીરીયલ અને મજબૂતાઇ સહિતની બાબતોનું ચેકિંગ અમેરિકામાં કરાયું છે. આ કેબલ અમેરિકાથી સીધા ગાંધીનગર આવ્યા હતા.