રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ સીંગતેલનો ડબ્બો 2380 રૂપિયાના ભાવે મળતો હતો, જેનો ભાવ વધીને 2450 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220 રૂપિયાથી વધીને 2300 રૂપિયા સુધી પહોંચી છે.

શ્રાવણ મહિનાના આગમનને હવે પખવાડિયા જેટલો સમય બાકી છે. અને શ્રાવણ મહિનામાં સૌથી વધુ તહેવારો આવતા હોય છે. જેમાં સાતમ-આઠમનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. અને ઘેર ઘેર ઢેબરાથી લઈને વિવિધ વાનગીઓ બનતી હોય છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક મોટો બોજ પડ્યો છે. રાજકોટ સહિતના બજારોમાં આજે ગુરુવારે સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 80નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો નોંધાયો છે. આગામી સમયમાં શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગ વધતી હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના પુરવઠામાં અવરોધ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવમાં થતી વધઘટની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. તો બીજી તરફ મગફળી અને કપાસની ઓછી આવક તેમજ માલની અછત પણ ભાવ વધારાનું એક મુખ્ય કારણ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here