વડોદરાઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપના તાલુકા પ્રમુખ સાથે મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંત દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી આવતીકાલે, 11 જુલાઈ, 2025 પર મુલતવી રાખવામાં આવી છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ‘લાફા કાંડ’ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંત દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી છે. જ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ કેસમાં ધીમી ગતિએ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાને કારણે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. આગામી સુનાવણીમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવે છે કે કેમ, અને ત્યારબાદ કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
આ બનાવની વિગત એવી હતી કે, નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT(આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.(FILE PHOTO)