સુરતઃ શહેરમાં છેલ્લા 22 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ત્યાર મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને મચ્છરોના પોરાનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં સૌથી મોટો પડકાર પાણીનો ભરાવો થયો હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે. ત્યારે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. હવે હાર્ડ રિચ પોઇન્ટ પર કે જ્યાં કર્મચારીઓ નહીં પહોંચી શકે ત્યાં ડ્રોનથી સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વર્ષે ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. શહેરની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ફિઝિકલી કર્મચારીઓ દ્વારા પહોંચવું મુશ્કેલ બની જાય છે ત્યાં ડ્રોનથી કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન શહેરની બહારના વિસ્તારોમાં મોટાભાગે આ મુશ્કેલી જોવા મળે છે. સૌથી વધુ મચ્છરોનો ઉપદ્રવ એવા સ્થળ પર હોય છે કે જ્યાં લોકોની અવરજવર રહેતી નથી અથવા તો એવા ઘણા મકાનો હોય છે કે જ્યાં લોકો રહેતા હોતા નથી. ઘણા એવા પરિવાર હોય છે જે સ્થળાંતર કરીને અન્ય વિસ્તારોમાં રહેવા જતા રહેતા હોય છે પરંતુ તેમના ઘરે ચોમાસા દરમિયાન જે પાણીનો ભરાવો ટેરેસમાં કે અન્ય આસપાસની જગ્યામાં રહેતો હોય છે તે દૂર કરી શકાતો નથી. આવી સ્થિતિમાં પાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને તેવા સ્થળોને શોધી જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય,

મ્યુનિના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ  આ વર્ષે મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે જે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ વ્યક્તિ સાફ-સફાઈની કે દવા છાંટવાની કામગીરી કરી શકતી નથી ત્યાં ડ્રોન ખૂબ સારી રીતે કામ કરી શકે છે. કતારગામ, સેન્ટ્રલ ઝોન અને સરથાણા ઝોનમાં હાર્ડ રિચ પોઇન્ટ છે ત્યાં કામગીરી કરવામાં આવી છે. 115 જેટલા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા છે જેમાં 10 કરતાં વધારે લોકેશન ઉપર કામગીરી પૂર્ણ કરી છે અને આ કામગીરી ચોમાસા દરમિયાન ચાલુ રહેશે. એટલું જ નહીં પરંતુ અમે સતત અત્યાર સુધીમાં 78,000 જેટલા મકાનોનો સર્વે કરી લીધો છે. જેમાં 2.67 હજાર વસ્તીનો સર્વે કરી લીધો છે. સતત પાણીના સેમ્પલો પણ લઈ રહ્યા છીએ અને તેની તપાસણી બાદ જરૂર જણાય ત્યાં કાર્યવાહી પણ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here