વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં બેફામ વાહનો ચલાવવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડીરાત્રે નશામાં ધૂત કારચાલકે ત્રણ રાહદારીઓને ટક્કર માર્યા બાદ કારને થાંભલા સાથે અથડાવી દીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. કારમાં બે યુવાનો સવાર હતા અને બંને યુવાનો નશામાં ધૂત હતા. પાણીગેટ પોલીસે બંને આરોપીની અટકાયત કરી છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી અને કારને એક થાંભલા સાથે ટક્કર મારી હતી. જેમાં રસ્તે ચાલતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સમયે કારચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા અને વિજય ઉકેડભાઈ રાઠોડ કારમાં સવાર હતા અને બંને નશામાં ધૂત હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમયે હાજર લોકોએ કારમાં બેઠેલા બંને યુવકોને પૂછ્યું હતું કે, લાયસન્સ છે? ક્યાંથી આવો છો તમે બંને? તમે પીધેલા છો, તો એક યુવક કહ્યું હતું કે હા હું પીધેલો છું. પાણીગેટ પોલીસે તુરંત જ આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે પ્રોહીબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરમાં નશો કરેલી હાલતમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. ત્યારબાદ ત્રણ મહિના પહેલા શહેરના ખોડિયારનગર ચાર રસ્તાથી વારસિયા રિંગ રોડ તરફના રસ્તે તબીબની કાર લઈ નીકળેલા નશામાં દ્યૂત ડ્રાઈવરે 10 વાહનોને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નહોતી. અકસ્માતનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં સ્કૂટર પર જઇ રહેતા એક મહિલા અને પુરૂષને અડફેટે લે છે. આ ઉપરાંત રિક્ષાને પણ ટક્કર મારતો દેખાય છે.આ ઉપરાંત લોકો તેને મેથીપાક પણ ચખાડતા જોવા મળે છે. હાલ ડોક્ટરની કાર ચલાવતો ડ્રાઈવર અગાઉ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવતો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here