અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે સિંહ હુમલાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. વાડીમાં કાચુ છાપરૂ બનાવીને રહેતા મુળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવારના 5 વર્ષિય બાળકનો સિંહે શિકાર કર્યો હતો. 5 વર્ષના બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને ફાડી ખાધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં સફળતા મળી છે.
આ બનાવની વિગત એવી છે કે, સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોક રતીભાઈ બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે આ પરિવાર કામ કરતો હતો અને વાડીમાં કાચુ છાપરૂ બનાવીને રહેતો હતો. શ્રમિક પરિવાર પોતાના છાપરામાં હતો. તે દરમિયાન સિંહ આવી જતા માસૂમ બાળક ગુલસિંગ હીરાલાલ અજમેરા ઉઠાવી 200 મીટર કરતા વધુ અંતર સુધી ઢસડી ગયો હતો. પરિવાર દ્વારા બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો. ત્યારબાદ બાવળની કાંટાળી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો હતો. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની માત્ર ખોપરી મળી આવી હતી. જેને પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતકના પિતા હીરાભાઈ અજમેરાએ જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગે છોકરા રોટલો ખાવા જતા હતા. એક છોકરાને સિંહ ઉપાડી લઈ ગયો. મારા ઘરના બિયારણ લગાડતા હતા. હું વાડીયે રોટલો ખાવા જતાં પાછળથી સિંહ આવ્યો, અમે પાછળ દોડ્યા તો સિંહ અમારી પાછળ દોડ્યો પછી મુક્યો નહિ. અમે શેઠને ફોન કર્યો. આપડા છોકરાને સિંહ ઉપાડી લઈ ગયો છે.
ગીર પૂર્વ ડિવિઝન એસીએફ કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં ખેડૂતની વાડીમાં બાળકને વન્યપ્રાણી સિંહને ઉપાડી દૂર ખસેડી ગયો, વનવિભાગને જાણ થતાં તાત્કાલિક હાજર થયા શેત્રુંજી ગીર પૂર્વ ડિવિઝન તમામ સ્ટાફ હાજર હતા અને ટીમો બનાવી સિંહનું રેસ્ક્યૂ તાત્કાલિક કરવામાં આવ્યું અને બનાવ દુઃખદ છે. આ બનાવ કેવી રીતે બન્યો છે, તે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અપીલ છે સિંહોની અવરજવર હોય તો વનવિભાગને જાણ કરવી.