ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર ગત 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં આઠ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં આઠ ઈંચ વરસ્યો હતો. સાથે જ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

હવામાન વિભાગે કરેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here