અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે 108 સેવાની કામગીરી ખૂબ સહરાનીય રહી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે 108 અંગેની પ્રશંસનીય કામગીરી અંગે વાત કરતા 108 જીવીકે ઈએમઆરઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) જશંવત પ્રજાપતિ કહ્યું કે, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સ્થળ 108 સુપરવાઇઝરી સ્ટાફ ઑફિસથી ખૂબ નજીક (લગભગ 50 મીટર) હતું. ઍરક્રાફ્ટ ક્રૅશનો અવાજ સાંભળીને 108ના એક સુપરવાઇઝર સતિન્દર સંધુએ તાત્કાલિક 108-ઇએમએસ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને ઘટના અનુરૂપ પ્રોટોકોલ મુજબ અન્ય સ્થાનિક બચાવ સંસ્થાઓ જેમ કે પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેને સમાંતરે જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે દોડી ગયા અને વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા અને જીવંત મુસાફરો પૈકીના શ્રી વિશ્વાસ કુમારને બચાવ્યા અને દર્દીને 108 ઇએમએસ એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વિમાન દુર્ઘટના અંગે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આશરે 25થી વધુ કૉલ મળ્યા હતા. બપોરે 1.41 વાગ્યે પહેલો કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને એલર્ટ થયાના 3 મિનિટમાં (લગભગ 1.44 વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગને પણ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
જશંવત પ્રજાપતિએ કહ્યું કે, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરફથી તમામ સંબંધિત અધિકારીઓને મલ્ટિકૉઝેલિટી ઇન્સિડેન્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહિ બચાવ કામગીરીમાં મદદ અને દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે આવેલા પહેલા ઇન્સિડેન્ટ કૉલની 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી.