અમદાવાદઃ હોળી- ધૂળેટીના તહેવારોને લઈ તા. 16મી માર્ચ સુધી ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસોથી 7100  ટ્રીપોનું એકસ્ટ્રા સંચાલન કરશે.જેમાં ડાકોર- દ્વારકા જવા માટે 500 એસટી બસો દ્વારા 4000  ટ્રીપો દોડાવાનું આયોજન કરાયું છે. ગત વર્ષે ડાકોરના ફૂલડોલોત્સવ માટે 400 બસોથી 3000  ટ્રીપોની દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરાઈ હતી.

રાજ્યમાં ફાગણી પુનમને લીધે અનેક શ્રદ્ધાળુઓ ડાકોર અને દ્વારકામાં દર્શન કરવા માટે જતા હોય છે. તેમજ આદિવાસી સમાજમાં હોળી અને ધૂળેટીનું વિશેષ મહાત્મ્ય હોવાથી રાજ્યના તમામ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી શ્રમિકો હોળી અને ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. આમ પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જિલ્લાઓમાં વ્યવસાય- મજૂરી અર્થે અવર- જવર કરે છે. વતનથી બીજા જિલ્લામાં સ્થાયી થયેલા હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.  જેથી, નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લા જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે.

આ ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000  જેટલી ટ્રીપો સંચાલિત કરાશે. જ્યારે તા. 10મીથી 16મી માર્ચ દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારો વખતે પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 400 બસો દ્વારા 3000  ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here