રાજકોટઃ ગુજરાતમાં નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ તેમજ રેસ્ટોરન્ટ અને હોટલોના સંચાલકો દ્વારા હાઈવે પરના ડિવાઈડ તોડીને રસ્તો બનાવવામાં આવ્યો છે. ડિવાઈડર તોડવાથી વાહનો એક લેનમાંથી વળાંક લઈને બીજી લેનમાં પ્રવેશતા હોય છે. તેના લીધે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના હાઈવે પર ડિવાઈડર તોડનારા પેટ્રોલ પંપ અને હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ હતી અને વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં હાઈવે પર પેટ્રોલ પંપ અને આસપાસ ગેરકાયદેસર ડિવાઈડર તોડી રસ્તો બનાવનાર સામે કાર્યવાહી કરવા કલેક્ટરે આદેશ આપ્યો હતો.
જિલ્લા માર્ગ સમિતિની બેઠકમાં કલેક્ટર દ્વારા અનધિકૃત દબાણ, ટ્રાફિકજામ, ગેરકાયદે તોડવામાં આવેલા ગેપ-ઈનમીડિયન, ક્ષતિગ્રસ્ત સર્વિસ રોડ, મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્ક અને રિસર્ફેસિંગની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ આસપાસ ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડીને રસ્તો બનાવાના કારણે જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે વારંવાર આવી પ્રવૃત્તિ કરનારા લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓનું ક્વિક રિસ્પોન્સ સાથે સમારકામની કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
હાલ ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તથા ગોંડલ ચોકડીથી ગોંડલ સુધીના સર્વિસ રોડ ઉપર રોડ-રિપેરિંગની કામગીરી શરૂ હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવાયું હતું. સાથોસાથ રાજકોટ-મોરબી રોડ પરના 56 જેટલા, રાજકોટ-ભાવનગર હાઇવે પરના 22 જેટલા ગેરકાયદે ગેપ-ઈનમીડિયન પુનઃબંધ કરાયાનું જણાવ્યું હતું.