ગાંધીનગરઃ આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ વર્ષે કેન્દ્ર સરકારના જળ, ગૃહ અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયની સૂચના મુજબ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ – ‘સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ની થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આ થીમ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે.

જિલ્લા કલેક્ટરે સ્વતંત્રતા પર્વને લગતા તમામ કાર્યક્રમોની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો (8મી ઓગસ્ટ સુધી): આ તબક્કામાં તિરંગા રંગોળી સ્પર્ધા, તિરંગા રાખી સ્પર્ધા, પત્ર લેખન સ્પર્ધા, અને બાળકો માટે તિરંગા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. બીજો તબક્કો (9મી થી 13મી ઓગસ્ટ): આ તબક્કામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તિરંગા યાત્રા, રેલી અને સ્વચ્છતા અભિયાન યોજાશે. ત્રીજો તબક્કો (13મી થી 15મી ઓગસ્ટ): આ તબક્કામાં શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધ્વજવંદન અને ‘સેલ્ફી વિથ તિરંગા’ જેવા કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં 6ઠ્ઠી થી 8મી ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રાઓ પણ યોજાનાર છે, જેનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવાનો છે. અમદાવાદ શહેરમાં 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે પ્રભાત ચોકથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે. આ યાત્રામાં દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સામેલ કરવામાં આવશે. યાત્રા દરમિયાન ‘તિરંગા’ થીમ પર સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here