રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 4થી ઓગસ્ટથી સ્પોર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. વિવિધ 47 જેટલી રમત-ગમત ઈવેન્ટ સાથે આંતર કોલેજ સ્પાર્ધ પણ યોજાશે. આંતર-કોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને ખેલો ઇન્ડિયા સહિત રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. વ્યક્તિગત રમતોમાં ચેમ્પિયન થયેલા ખેલાડીઓને વેસ્ટ ઝોન, વેસ્ટ-સાઉથ ઝોન, ઓલ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા સુધી પોતાનું કૌવત બતાવવાની તક મળશે. યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ ફેસ્ટિવલ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટેનું સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 4 ઓગસ્ટથી ભાઈઓ અને બહેનોની કુલ 47 રમતગમત ઇવેન્ટ્સ સાથે આંતર-કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોના ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે યુનિવર્સિટીએ ખેલાડીઓની માગને ધ્યાનમાં રાખીને કરાટે અને ફેન્સિંગ જેવી બે નવી રમતોનો પણ ટ્રાયલ બેઝ પર સમાવેશ કર્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આ સ્પોર્ટ્સ કેલેન્ડરમાં વ્યક્તિગત અને ટીમ ગેમ્સ બંનેનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે. વ્યક્તિગત રમતોમાં ચેમ્પિયન થયેલા ખેલાડીઓને વેસ્ટ ઝોન, વેસ્ટ-સાઉથ ઝોન, ઓલ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા સુધી પોતાનું કૌવત બતાવવાની તક મળે છે. જ્યારે ટીમ ગેમ્સમાં નિષ્ણાતો દ્વારા એક ટીમનું સિલેક્શન કરવામાં આવે છે, જે પણ ખેલો ઇન્ડિયા સુધી પહોંચી શકે છે. ગત વર્ષે 35થી વધુ ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયા હતા અને ચાર ખેલાડીઓએ ઓલ ઇન્ડિયા કક્ષાએ મેડલ અપાવ્યા હતા. આ વખતે પણ એ જ જોશ અને ઉત્સાહ સાથે સ્પર્ધાઓ યોજવામાં આવશે.

આ વર્ષના સ્પોર્ટ્સ કેલેન્ડરમાં બે નવી રમતો કરાટે અને ફેન્સિંગનો ટ્રાયલ બેઝ પર સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ રમતોમાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, તો તેમને ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓએ ઓફલાઇન એલિજિબિલિટી ફોર્મ ભરવાનું રહેશે. કોલેજોને એક એલિજિબિલિટી ફોર્મ મોકલવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના જરૂરી દસ્તાવેજો જોડવામાં આવશે. આ વખતે એક નવો દસ્તાવેજ ઉમેરવામાં આવ્યો છે: UG અને PGના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાનો ઓફર લેટર જોડવાનો રહેશે.(File photo)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here