રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલથી એટલે કે, તા. 27 મી માર્ચથી સ્નાતક અને અનુસ્નાતકના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે  44,254 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા વિભાગ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે કોલેજો પરથી પરીક્ષા લેવામાં આવશે. ત્યાં CCTV ફરજિયાત હોવા જોઈએ અને તે ભાડે લીધેલા નહીં પરંતુ પોતાની માલિકીના હોવા જરૂરી છે. આ સાથે જ CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVR ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની રહેશે. ઉપરાંત પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનુ CCTV કેમેરાનું રેકોર્ડીંગ ફરજિયાત છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ગેરરીતિ ડામવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતી કાલથી એટલે કે, તા. 27 મી માર્ચથી સ્નાતક સેમેસ્ટર – 6 અને અનુસ્નાતક સેમેસ્ટર – 4 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 180 કેન્દ્રો ઉપરથી વિવિધ 32 કોર્સના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામા આવશે. જેમાં બીએ રેગ્યુલર સેમ.6 માં 11,227 અને એક્સટર્નલ સેમ.6 માં 2,042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી.કોમ. રેગ્યુલર સેમ.6 માં 11, 512 અને બી.કોમ. એક્સટર્નલ સેમ.6 માં 397 છાત્રો પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનિષ શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ભવનોનાં અધ્યક્ષો તથા સંલગ્ન તમામ કોલેજો/સંસ્થાનના આચાર્ય/ટ્રસ્ટીઓ જોગ જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા રાખવા ફરજિયાત છે. CCTV કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઇવ મોનીટરીંગ થઇ શકે તે માટે કોલેજમાં જે વર્ગખંડોમાં પરીક્ષા લેવાતી હોય તેમના CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVR ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી (10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની છે) જેથી પરીક્ષાના સમય દરમિયાન CCTV ચાલુ રહે તે અંગેની કાળજી લેવાની જવાબદારી કોલેજ આચાર્યની રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, આવતી કાલે તા. 27મીથી શરૂ થઇ રહેલી પરીક્ષામાં એમ.એ. અંગ્રેજી અને એમ.એસસી. ફિઝિકસ – ઇલેક્ટ્રોનિક્સ સેમ. 4 ની પરીક્ષા સ્પેશ્યલ કેસમાં લેવાશે. જેમાં એમ.એ.અંગ્રેજી સેમેસ્ટર – 4 ના વિદ્યાર્થીઓએ કોર્સ પુર્ણ ન થયાની કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોડી લેવાનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે આ પરીક્ષા 15 એપ્રિલ આસપાસ લેવામા આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here