ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં અડધાથી સવા પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જલાલપોરમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારી શહેરમાં સવા ચાર ઈંચ અને ગણદેવીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના મહુવા અને તાપીમાં વાલોદમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધી રાજ્યમાં 54 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 63.95 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. તો, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચ વરસાદ નોંધાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાથે જ સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાએ બેટિંગ કરી હતી.. વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.. મહત્વનું છે કે, સેલવાસમાં અત્યાર સુધી સિઝનનો 60 ઇંચ વરસાદ નોંધાયો છે.