ભાવનગરઃ અમરેલી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નદીમાં પુર આવતા શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થતાં જેમના 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવતા પાલિતાણા અને તળાજાના નદીકાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી નદીમાં 15340 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ચોમાસાની આ સીઝનમાં શેત્રુંજી ડેમ ચોથીવાર ઓવરફ્લો થયો છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. તેના લીધે પાલીતાણાના 5 ગામો તથા તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાલીતાણા તાલુકાના 5 ગામોમાં નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના 12 ગામોમાં ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમ ચામાસાની સીઝનમાં ચોથીવાર ઓવરફ્લો થયો છે. ગઈ તા.17 જૂન 2025ના રોજ પ્રથમ વખત, તા.6 જુલાઈ 2025ના રોજ બીજી વખત, તા.13 જુલાઈ 2025ના રોજ ત્રીજી વખત અને તા.20 ઓગસ્ટ 2025 રોજ ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો છે. આમ, ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે.

ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારી એ બાલધિયાએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમ આજે બપોરે 12 વાગ્યા આસપાસ 20 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા, 12:15 વાગ્યા આસપાસ તમામ 59 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા આસપાસ તમામ 59 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here