ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ. જે. હૈદરની અભિપ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સદર સમારોહમાં UGVCL ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી એન. એફ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેરશ્રી એસ. વી. શાહ તેમજ સીઆરસી કોઓર્ડિનેટરશ્રી રાજુભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા.શ્રી સોજા કેળવણી મંડળના મહામંત્રીશ્રી ઘનશ્યામસિંહ વાઘેલા સહિત કારોબારી સમિતિના સભ્યો અને વિવિધ સેવાકીય સહકારી સંસ્થાઓના સદસ્યશ્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વાલીમંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ વર્ષે નવમા ધોરણ અને અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવનાર અધ્યેતા બાળકોને વિવિધ ભામાશા દાતાશ્રીઓના વરદ હસ્તે નોટબુક-ચોપડા-ગણવેશ-પેન જેવું સાહિત્ય અર્પણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષના તેજસ્વી તારલાઓ સમાન સર્વોચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર અધ્યેતાઓને ઈનામ-પુરસ્કાર-શિલ્ડથી નવાજવામાં આવ્યા હતા.’પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો’ તેમજ ‘વ્યસનની વિઘાતક અસરો’ વિશે વિવિધ બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યાં હતાં.કાર્યક્રમને અંતે આમંત્રિત મહાનુભાવો અને સરકારી પ્રતિનિધિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.