સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે મેળાની મોસમ ગણાય છે. જન્માષ્ટમીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પર્વ પર બે સ્થળોએ 5 દિવસના લોક મેળાનું આયોજન કરાયું છે. શહેરમાં આગામી તા. 13થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન લોકમેળા યોજાશે. જેમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકવામાં આવશે. આ ઉપરાંત 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવવામાં આવશે. લોકોની સલામતી માટે 2 વૉચ ટાવર, સીસીટીવી કંટ્રોલરૂમ અને પોલીસ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે 4 સેનિટેશન બ્લોક, 4 ઘોડીયાઘર અને સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. આ વર્ષે મેળો 30 હજાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં યોજાશે.
સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં જન્માષ્ટમીના પર્વ પર 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકવામાં આવશે. આ ઉપરાંત 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવવામાં આવશે. જાણીતા કલાકારો દ્વારા ડાયરો પણ યોજાશે.
જ્યારે વઢવાણમાં મેળાના મેદાન ખાતે 12 મોટી રાઈડ્સ અને 14 નાના બાળકો માટેની રાઈડ્સ મૂકવામાં આવશે. અહીં 9 આઈસક્રીમ સ્ટોલ, 80 અન્ય સ્ટોલ અને નાના વેપારીઓને ધંધા માટે જગ્યા આપવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને મેદાન માટે મેદાન દીઠ રૂ. 61 લાખની અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે. ટેન્ડર 30 જુલાઈ 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે ખોલવામાં આવશે અને સાંજે 4:30 વાગ્યે માન્ય ટેન્ડરરો વચ્ચે હરાજી યોજાશે.