સુરતઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન વ્હીકલ્સ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે. મ્યુનિ.કોર્પોરેશને વર્ષ 2021 માં ભારતની સૌથી પહેલી ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી. આ પોલીસીનો સમય પૂરો થતાં હવે મ્યુનિ. આગામી દિવસમાં ગ્રીન વ્હીકલ પોલિસી બનાવવા જઈ રહી છે. ઈ-વ્હીકલ પોલીસીની જેમ સુરત શહેર ગ્રીન વ્હીકલ પોલીસી માટે પણ દેશનું પહેલું શહેર બનવા જઈ રહ્યું છે. સુરત મ્યુનિની સ્થાયી સમિતિમાં  ગ્રીન વ્હીકલ પોલીસ ડ્રાફ્ટ મંજુર કરવામાં આવ્યો હતો. આ પોલીસીમાં હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ વાહનો જેવી તમામ ગ્રીન વ્હીકલ ટેકનોલોજીનો સમાવેશ કરવામા આવ્યો છે. આ પોલીસીનો અમલ થતાની સાથે જ સુરત દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહેર બની જશે.

સુરત મ્યુનિની સ્થાયી સમિતિએ ગ્રીન વ્હીકલ પોલીસી 2025 જાહેર કરી છે. આ પોલીસી જાહેર કર્યા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સુરત મ્યુનિએ ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી. તેની સમય મર્યાદા પૂરી થઈ રહી છે હવે તેની જગ્યાએ ગ્રીન વ્હીકલ પોલીસી બનાવવામાં આવી છે. આ પોલીસી કેન્દ્ર સરકારના નેટ ઝીરો મિશન 2027 સાથે સંકલન કરશે. આ પોલીસીમાં ઈ-વ્હીકલ ઉપરાંત હાઇડ્રોજન-સંચાલિત વાહનો અને બાયોફ્યુઅલ વાહનો જેવી તમામ ગ્રીન વ્હીકલ ટેકનોલોજીનો સમાવેશ કરવામા આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતના રસ્તા પર જે વાહન દોડે છે તેમાં 2030 સુધીમાં 50 ટકા સુધી ઈ-વ્હીકલ હોય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સામુહિક પરિવહનમાં પણ આ નિયમ માટે ખાસ પ્રોત્સાહન કરવામાં આવશે.  સુરત દેશની પહેલી ગ્રીન વ્હીકલ પોલીસી માટે કવાયત કરે છે. તેની સાથે આ અંગે લોકોને માહિતી મળે તે માટે ગ્રીન વ્હીકલ પોર્ટલ પણ બનાવશે. આ પોલીસી હેઠળ મ્યુનિ. વ્હીકલ ટેક્સમાં પણ 50 ટકા ટેક્સ આપવા માટે આયોજન કરી રહી છે. આ ટેક્સ માફી બાદ સુરત મ્યુનિની આવકમાં ફટકો પડી શકે તેમ છે તેથી મ્યુનિ.દ્વારા કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે.

ગ્રીન ઈ-વ્હીકલ પોલીસીએ શહેરમાં ઇકો-ફ્રેન્ડલી પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ પોલીસીનો અમલ ઝડપી થાય અને વધુને વધુ લોકો સુધી પોલીસી પહોંચે તે માટે સુરત મ્યુનિએ ગ્રીન વ્હીકલ સેલ બનાવવા માટે પણ આયોજન કર્યું છે. આ સેલમાં ગર્વનિંગ, કોર અને ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી પોલીસના અમલીકરણ,અને સ્ટેક હોલ્ડર સંકલનનું નેતૃત્વ કરશે. સાથે સાથે સુરત ગ્રીન વ્હીકલ ફંડ અંતર્ગત મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ, સીએસઆર અને કાર્બન ફાઇનાન્સિંગ દ્વારા નાણાંકીય સહાય પણ મળશે. આ પ્રકારની કમિટી એક મહિનામાં બનાવી દેવાશે અને કમિટી દ્વારા પોલીસના અમલ માટેની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here