સુરતઃ સોશ્યલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરીને સમાજમાં વટ પાડવા માટે નબીરાઓ અવનવી હરકતો કરતા હોય છે. શહેરમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય માટે સ્કૂલમાં યોજાયેલી ફેરવેલમાં ભાગ લેવા માટે જવા માટે 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વિડિયોમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની  સ્કૂલમાં જ ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા 30 જેટલી લકઝરી કારમાં ગયેલા વિદ્યાર્થીઓએ જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી.  બીજી તરફ આ વીડિયો વાઈરલ થતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને સ્કૂલ દ્વારા બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાનુ કહી રહ્યા છે.

આ બનાવની વિગતો એવી છે કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડિઝ, બીએમડબ્લ્યુ જેવી 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે. આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી. અને અમને આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે, તો તપાસ કરીશું. બીજી તરફ, ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો  સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે, “આ આયોજન અમારું નહોતું, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર લઈને આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here