સુરતઃ શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગોમાં શ્રમિકોની અછતને લીધે પરપ્રાંતના બાળમજુરોને કામે રાખવામાં આવતા હોય છે. બાળશ્રમિકો પાસે કામ કરાવવું એ ગુનો બને છે. ત્યારે શહેર પોલીસે બાળશ્રમિકો પાસે કામ કરાવતા એકમો સામે તપાસ શરૂ કરી છે. દરમિયાન શહેરના પૂણા વિસ્તારમાં સાડીના બે કારખાનામાં પોલીસે તપાસ કરીને 6 બાળમજુરોને મુક્ત કરાવ્યા હતા. આ બાળ મજુરો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના છે. તેમને મજુરી માટે રાજસ્થાનથી લવાયા હતા.
શહેરના પુણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે સાડીના ખાતામાંથી છ બાળમજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ છ બાળમજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે. જ્યારે આ બે સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં થોડા દિવસ પહેલાં બે બાળમજૂરો કાળી મજૂરીથી કંટાળીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે એક કારખાનામાંથી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવી તેમને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે આ રીતે વધુ બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે પુણા પોલીસની સી ટીમ દ્વારા પુણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પુણાગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહી? તે બાબતે પુણા પોલીસ અને સી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મળી હતી કે, સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નં-એબી/316 અને બી/314માં બાળમજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ બંને સાડીના ખાતામાં પોલીસને છ બાળમજૂરો મળી આવ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ રાજસ્થાનના દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસિંગ ખરવડ રાજસ્થાનથી બાળકોને લાવીને અહીં સાડીના ખાતામાં મજૂરી કરાવતા હતા. બાળકોએ પોલીસને એવુ નિવેદન આપ્યું હતું કે, ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદેપુરથી સુરત લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અહીં સાડીના જોબવર્કના ખાતાની અંદર રાખવામાં આવતાં હતાં. 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો પુણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે. 14 વર્ષથી નીચેનાં બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર અને 14 વર્ષથી મોટા અને 18 વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ. 20000થી 50000નો દંડ અથવા 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.