સુરતઃ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓએ અનોખું આયોજન કર્યું છે. ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એકસાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે.
ઘુમર નૃત્યનો જયપુરનો રેકોર્ડ સુરતમાં તૂટ્યો
આ પહેલાં રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેરે તોડી નાખ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલિયા ફોક નૃત્યનાં સ્પેશિયાલિસ્ટ આસા સપેરા આવ્યાં હતાં. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસર્યા હતા, સાથે બોલિવુડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા.
રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 12,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરવામાં આવી હતી, જે એક નવો કીર્તિમાન બન્યો છે. બનારસના ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી.અને સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા, અંદાજે 2 લાખ લોકો એકસાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.