સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાયે સમિતિ દ્વારા શાળાઓને સફાઈના કામ માટે માત્ર 4000 પ્રતિશાળા દીઠ ગ્રાન્ટ આપવામાં આવે છે. મ્યુનિ. શાળાઓને શાળા સફાઈની ગ્રાન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા આધારે આપવામાં આવે છે પરંતુ શાળામાં જે ક્ષેત્રફળ હોય તેના આધારે જ આપવી જોઈએ તેવી માંગણી ઊઠી છે. સમિતિની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં શાળા સફાઈનો મુદ્દો ઉઠ્યો હતો.

સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં ફરી એક વખત સુરત શહેર અગ્રેસર રહ્યું છે. પરંતુ જ્યાંથી બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવાય છે તેવી શાળામાં જ ગ્રાન્ટના અભાવે યોગ્ય સફાઈ થતી ન હોવાની ફરિયાદ સામાન્ય સભામાં થઈ હતી. એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિની શાળાઓની સફાઈ માટે માંડ ચારેક હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શાળાની સફાઈ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં પરંતુ શાળાના ક્ષેત્રફળના આધારે આપવા માટેની માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં શાળા સફાઈનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે સુરત દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો તે માટે અભિનંદન પણ બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે તેમાં સફાઈ માટે પુરતી ગ્રાન્ટ આપવામા આવતી નથી. શાળા સફાઈની ગ્રાન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા આધારે આપવામાં આવે છે પરંતુ શાળામાં જે ક્ષેત્રફળ હોય તેના આધારે જ આપવી જોઈએ તેવી માંગણી કરી હતી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક શાળાની સફાઈ માટે ચારેક હજારની ગ્રાન્ટ આપવામા આવે છે તે પૂરતી નથી. વિદ્યાર્થીઓના આરોગ્ય માટે પાયાની જરૂરિયાત એવી સફાઈ માટે જ બજેટ ઘણું જ ઓછું છે તેથી અનેક સ્કુલોમાં ગંદકી અને સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદ બહાર આવી રહી છે તેને દૂર કરવા માટે ગ્રાન્ટમાં વધારો કરવામા આવે અને ગ્રાન્ટ સીધી શાળાને આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here