સુરતઃ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને હવે 5થી 6 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પ્રજાના ટેક્સના પૈસે શહેરના મેયર, મ્યુનિના પદાધિકારીઓ સહિત શાસક પક્ષના 96 કોર્પોરેટરો મસુરી ખાતે ખાસ પ્રશિક્ષણ શિબિર માટે ઉપડી ગયા છે. આ કોર્પોરેટરો પહેલા સંસદના ચોમાસા સત્ર તથા રાષ્ટપતિ ભવનની મુલાકાત લેશે અને ત્યારબાદ મસૂરી ખાતે ખાસ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે. મ્યુનિની ટર્મ પુરી થવા આડે માંડ પાંચ મહિના જેટલો સમય બાકી છે ત્યારે અચાનક ખાસ તાલીમ લેવા માટે ઉપડ્યા છે તેથી આશ્ચર્ય થયું છે. ભાજપના કોર્પોરેટરો આગામી ચાર દિવસ માટે સુરતમાં ન હોય રજૂઆત કે ફરિયાદ કરનારા નાગરિકોને મ્યુનિ.કચેરીઓમાં ધરમ ધક્કા થઈ શકે છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન કચેરીમાં ચૂંટાયેલી પાંખ તરફનો ભાગ ખાલી ખાલી જોવા મળી રહ્યો છે. મ્યુનિ.કચેરીમાં કેટલાક લોકો ફરિયાદ લઈને તો કોઈ રજૂઆત લઈને આવ્યા હતા પરંતુ મ્યુનિના પદાધિકારીઓ, વિવિધ સમિતિના અધ્યક્ષ કે ચૂંટાયેલા કોર્પોરેટરો ન હોવાથી નાગરિકો ફરિયાદ કે રજૂઆત કરી શક્યા ન હતા. અનેક લોકો રજુઆત કરવા આવ્યા ત્યારે ખબર પડી હતી કે શહેરના મેયર, પદાધિકારીઓ, વિવિધ સમિતિઓના ચેરમેન સહિત 96 કોર્પોરેટરો દિલ્હી પ્રવાસે ઉપડી ગયા છે. લોકોને એ જાણીને પણ આશ્ચર્ય થયું હતું કે આગામી ચાર પાંચ મહિનામાં ટર્મ પૂરી થવા જઈ રહી છે પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરે મસૂરી ખાતે જઈને ખાસ પ્રશિક્ષણ લેશે.

મ્યુનિની સામાન્ય સભામાં વિપક્ષ આક્ષેપ કરે છે, ત્યારે તેનો જવાબ આપવામાં વર્તમાન કોર્પોરેટરો ઝીરો સાબિત થયા છે. જવાબ આપી શકતા ન હોવાથી હોબાળો મચાવી સભા પૂરી કરી દેવામાં આવે છે. હાલ જે કોર્પોરેટરોના પરફોર્મન્સ છે તે જોતાં 40 ટકા જેટલા લોકોને ટીકીટ નહી મળે તેવી શક્યતા છે. આવા સમયે આ કોર્પોરેટરોને પ્રશિક્ષણ આપવાનો શું ફાયદો ? તે પણ નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સપ્તાહ સુધી સત્તાધારી પક્ષના કોર્પોરેટરો નાગરિકોને મળી શકશે નહીં, લોકો સ્મીમેર કે મસ્કતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે તેવા લોકોને ફી માફી માટે પણ મોટી સમસ્યા થઈ શકે છે. તેઓએ વિપક્ષ પાસે ફી માફીનો આધાર રાખવો પડે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here