સુરતઃ શહેરમાં હવે વિદેશી દારૂની જેમ ડ્રગ્સની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે. ત્યારે ડ્રગ્સ ડિલિવરીના નેટવર્કનો પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે પદડાફાસ કર્યો છે. શહેરના ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશીયલ ઓપરેશન ગૃપના પીઆઈ એ.પી.ચૌધરી અને તેના સ્ટાફે બાતમીને આધારે પકડી પાડયો છે. ડ્રગ્સ માફીયાના ખિસ્સામાંથી રૂ. 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવી હતી. પોલીસને રેડ દરમિયાન 2 લોડેડ પિસ્તોલ પણ મળી હતી. ડ્રગ્સ માફીયા શીવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલા ( ઉ.વ 28, રહે,પંચશીલનગર,ભાઠેના)ને એસઓજીએ દબોચી લીધો હતો.
સુરત શહેરના ભાઠે વિસ્તારમાં આવેલા પંચશીલ નગરમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે રેડ પાડીને ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો પડદાફાસ કર્યો હતો. અને ડ્રગ્સ માફિયા શીવાને દબોચી લીધા હતો. આરોપી શીવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના 6 ગુનાઓમાં તેમજ ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અગાઉ પાસા-તડીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી. એસઓજીની પીઆઈ સહિત 27 માણસોની ટીમ 20 બાઇકો પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફીયાને પકડી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ માફિયા શીવાએ ઝૂંપડાઓ વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરી હતી. ડ્રગ્સ વેચીને મેળવેલા 16 લાખ પણ તેની પાસેથી મળી આવ્યા હતા. માફિયાને પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાય જવાનો ડર હતો. આથી ડ્રગ્સ માફીયાએ પન્ટરો સાથે વોકીટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રીજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફીયાએ તેના પન્ટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકીટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા. ડ્રગ્સ લેવા આવનારા લોકોને ‘કપડે લેને આયા હૈ…’ó એવો કોડવર્ડ અપાયો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ વેચાતું હતું. ડ્રગ્સ માફીયા એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા ખાસ કરીને 55 ઈચના ટીવી પર 25 સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખતો હતો. 500 મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા લગાડયા હતા. જેનાથી કોઈપણ આવે એટલે તે તરત જ એલર્ટ થઈ જતો હતો. એસઓજીના 27 પોલીસકર્મી 20 બાઇક પર બેસીને માફિયાને ચારેબાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા જ પકડી લીધો હતો.