સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના કિમ તરફ જવાના રસ્તા પર ડાયમંડ બુર્સ પાસેથી પસાર થતા ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ગઈકાલે તા. 8 માર્ચની રાત્રિના સમયે એકાએક જ આગ લાગવાની ઘટના બનતા રાહદારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમમાં આવેલા છે, જેથી સુરત હજીરા, ડાયમંડ બુર્સ, સચિન તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયે હેવી વાહનો, પેટ્રોલના ટેન્કર ખૂબ મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે. હજીરાથી કંપનીના ટેન્કરમાં ડીઝલને ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું તે દરમિયાન થોડા સમય માટે ડાયમંડ બુર્સની સામે જ ટેન્કર પહોંચ્યું ત્યારે એકાએક ટેન્કરના આગળના કેબિનમાં એન્જિન પાસે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. આગ લાગવાને કારણે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસથી પસાર થતા વાહનચાલકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ડીઝલ ટેન્કરચાલક શિવ બહાદુરે જણાવ્યું કે, એન્જિન પાસે શોર્ટ સર્કિટ થતા આગળના કેબિનમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. ડીઝલ ભરેલું ટેન્કર હોવાને કારણે આગ લાગવાનો ભય હતો. ટેન્કરમાં 23,000 લીટર ડીઝલ ભરેલુ હતુ. ટેન્કરમાં અમે બે જણા સવાર હતા. ટેન્કર લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક જ ધુમાડો નીકળવાનો શરૂ થતા અમે ટેન્કરને રોડની બાજુમાં ઉભું રાખી દીધું હતું. તુરંત જ આગ લાગવાની શરૂ થઈ ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાની સાથે જ આગ વધુ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here