સુરતઃ શહેરમાં ડાઈંગના યુનિટધારકો ઘણીવાર કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં ઠાલવી દેતા હોય છે. ચોમાસા દરમિયાન આવા બનાવો વધુ બનતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વખતથી ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી ઊધના વિસ્તારમાં મેયર અને ધારાસભ્યએ મુલાકાત લઈને નિરિક્ષણ કર્યું હતું. લોક ફરિયાદ બાદ અત્યાર સુધીમાં 18 યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદ સુરત પાલિકાએ વધુ 8 ગેરકાયદે તપેલા ડાઈંગ યુનિટના ડ્રેનેજ કનેક્શન કાપી નાંખ્યા છે. જોકે, આ કામગીરી બાદ હજી પણ ઉધના વિસ્તારના રસ્તા અને પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું અને કલરવાળું પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા સામે ફરિયાદ કરનારા ઉધના વિસ્તારના ધારાસભ્ય દ્વારા જીપીસીબીને પણ ફરિયાદ કરવામાં આવી છે.
સુરત શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઉધના વિસ્તારમાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ અને કલરવાળું પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી અને ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળ પરથી અધિકારીને ફોન કરીને પગલા ભરવા જણાવ્યું હતું. આ ફરિયાદ બાદ ચાર તપેલા ડાઈંગને જીપીસીબીએ સીલ કરી દીધી હતી. આ ઉપરાંત મ્યુનિએઅત્યાર સુધીમાં 14 જેટલા તપેલા ડાઈંગ ડ્રેનેજ જોડાણ કાપી નાંખ્યા છે. આવી સ્થિતિ છતાં હજી પણ સુરતના ઉધના વિસ્તારમાં ઠેર ઠેર કેમિકલવાળું પાણી બહાર આવી રહ્યું છે આવી ફરિયાદ બાદ મ્યુનિ. દ્વારા ઉધના ઝોનમાં 21 તપેલા ડાઈંગની સાઈટ વિઝીટ કરી હતી તેમાં 8 ગેરકાયદેસર તપેલા ડાઇંગના યુનિટના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 તપેલા ડાઇંગના યુનિટો બંધ, હેતુફેર કરી ગેરકાયદેસર તપેલા ડાઈંગનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે.
શહેરના ઉધના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા જાહેરમાં કે મ્યુનિની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યુ છે અને લોકો હેરાન થઈ રહ્યાં છે.ત્યારે મ્યુનિ. દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.