સુરતઃ રાજ્યમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા માથાભારે તત્વોના ગેરકાયદે મકાનો તોડી પાડવા ગૃહ વિભાગે સુચના આપ્યા બાદ રાજકોટમાં ગઈકાલે 38 જેટલા બુલેગરોના ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા. જ્યારે આજે સુરત શહેરમાં સગરામપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ ધાંધુવાલાની સરકારી જમીન પર બંધાયેલી 5 દુકાનો તોડી પાડવામાં આવી હતી. દબાણ હટાવની આ કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશને પોલીસની મદદથી હાથ ધરી હતી.

સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સતત ગુનાઓમાં સામેલ રહેલા આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ ધાંધુવાલા વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાંચ દુકાનો બાંધીને દબાણ કર્યું હતું. પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ હવે આરોપીએ દબાણ દુર ન કરતા આખરે તંત્રએ દુકાનો તોડી પાડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ ધાંધુવાલા (ઉંમર 39, કાદર અઝીમ સ્ટ્રીટ, ગોલકીવાડ, સગરામપુરા) વિરુદ્ધ જુગાર, મારામારી, ધમકી, ગેરકાયદેસર હથિયાર અને છૂટાછવાયો હુલ્લડો જેવા કુલ દસ ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે. અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડી.સી.બી. સહિત વિવિધ પોલીસ મથકોમાં પણ આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ નોધાયેલા છે.

મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નં.02ના નોંધ નંબર-2933 હેઠળ આવેલી 248.3306 ચો.મીટર જેટલી સરકારી જમીન પર આરોપી મોહમ્મદ અઝરુદ્દી દ્વારા ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દબાણ દૂર કરવામાં આવ્યા છે. શહેરના અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ ધાંધુવાલા વિરુદ્ધ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે. તેની વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here