સુરતઃ શહેરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઊજવાતો હોય છે. ગણેશ મંડળો દ્વારા દરેક સોસાયટીઓમાં ગણેશોત્સવનું મોટાપાયે આયોજન કરવામાં આવતું હોય છે. હવે ગણેશોત્સવ પર્વને એકથી સવા મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પોલીસ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશજીની માટીની મૂર્તિઓ બેઠક સહિત 9 ફૂટથી વધુ ઊંચાઈની મંજૂરી અપાશે નહીં, તેમજ પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ) અને ફાઈબરની મૂર્તિઓની ઊંચાઈ 5 ફૂટથી વધુ ન હોવી જોઈએ. શોભાયાત્રા દરમિયાન ડી.જે. વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહ વચ્ચે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, અને પર્યાવરણ સુરક્ષાને પ્રાધાન્ય આપતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-173 હેઠળ બહાર પાડવામાં આવ્યો છે અને તે પર્યાવરણ સંરક્ષણ માટેના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના તમામ દિશાનિર્દેશોને અનુરૂપ છે.
આ વર્ષે ગણેશ મહોત્સવ 27 ઓગસ્ટ, 2025થી શરૂ થશે, જેમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બર, 2025ના રોજ શોભાયાત્રા અને વિસર્જન સાથે મહોત્સવનું સમાપન થશે. આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન, શહેરના તમામ નાગરિકો, મૂર્તિકારો, અને મંડળોને આ હુકમનું પાલન કરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને, બહારથી મૂર્તિઓ લાવી વેચતા વેપારીઓ અને મૂર્તિકારોને પણ આ નિયમો લાગુ પડશે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પર્યાવરણ (પ્રોટેક્શન) એક્ટ-1986, ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ, ગુજરાત અને મહારાષ્ટ્ર હાઈકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને મૂર્તિના કદ અને વિસર્જન માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં માટીની મૂર્તિઓ: બેઠક સહિત 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ બનાવવાની કે સ્થાપના કરવાની મંજૂરી નથી. પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ) અને ફાઈબરની મૂર્તિઓની ઊંચાઈ 5 ફૂટથી વધુ ન હોવી જોઈએ. પી.ઓ.પી. અને ફાઈબરની મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવો અથવા દરિયામાં જ કરવાનું રહેશે, જેથી જળ પ્રદૂષણ અટકાવી શકાય.